શાળાનો ઈતિહાસ

શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરા.
શાળા વિષેની માહિતી

સ્થાપના અને ઇતિહાસ

 • “જુમ્મેદાર મંડળ” સંચાલિત “શ્રી સયાજી હાઈસ્કૂલ”ની સ્થાપના તા. ૧-૧૧-૧૯૦૬ થઈ હતી આજે તે ૧૧૫ વર્ષના ગૌરવપૂર્ણ અને સફળ સોપાનો પૂર્ણ કરી ચૂકેલ છે.
 • ઇ.સ. ૧૯૦૬માં વડોદરામાં માત્ર એક જ સરકારી માધ્યમિક શાળા હતી. વડોદરાના વિધાર્થીઓને સગવડ આપવા સરકારના બોજાને હળવો કરવા સરકારના જ આગ્રહથી વડોદરા રાજ્યની કાઉન્સિલના તા. ૨૫/૬/૧૯૦૬ ના હુકમના આધારે કેળવણીપ્રધાનના તા.૧૨-૭-૧૯૦૬ ના પરિપત્ર નંબર ૧૯૭૩ મુજબ શાળાનો મંગલ પ્રારંભ થયો.
 • શાળાના આધસ્થાપક શ્રી : પેટલાદના નાગર ગુહસ્થ શ્રી હીરાભાઈ જેઠાભાઈ મજમુદારે ઇ.સ. ૧૯૦૬માં “ગ્રાન્ટ ઈન એઈડ હાઈસ્કૂલ” નામની આ શાળાની સ્થાપના કરી હતી. આ શાળાની શરૂઆત આજે ન્યાયમંદિરની પાસે સાધના ટૉકીઝના સ્થળે એક ખાનગી મકાનમાં થઈ હતી.
 • શાળાના એ મકાનમાં ઓચિંતી આગ લાગી અને શાળાના રાચરચીલા સહિતનું આ મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું. તે સમયે આશરે રૂપિયા પાંચ હજારના મૂલ્યનું ફર્નીચર અને પુસ્તકો પણ તેમાં હોમાઈ ગયા.
 • શ્રી હીરાલાલ આ ધટનાથી હતાશ થઈ ગયા પરંતુ તેમના પરમમિત્ર અને શાળાના તાત્કાલિન આચાર્ય શ્રી હીરાભાઈ વી. શ્રોફે તેમને હિંમત આપી અને પુન: શાળાને બેઠી કરવા પ્રેરણા આપી. આવી મોટી શાળાને અનુરૂપ મકાનની શોધમાં ઘણો સમય નીકળી ગયો.
 • એક દિવસ હીરાભાઈની નજર ધડીયાળી પોળમાં આવેલા ધણા વર્ષોથી ટંકશાળ બંધ સરકારી ટંકશાળના મકાન ઉપર પડી. એ મકાન હાઈસ્કૂલ ને માટે પ્રાપ્ત કરવાનો હીરાલાલે મનસૂબો કર્યો. અંતે વિધાધિકારી અને દીવાનને સમજાવીને એમણે આ મકાન શાળા માટે ભાડેથી મેળવ્યું. ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન આપવાનું અને કેળવણીના પ્રચારનો શ્રીમંત મહારાજા ગાયકવાડનો ઉદ્દેશ આથી સફળ થશે એ વાત હીરાલાલ ભાઈએ દીવાન સાહેબને સમજાવી. દીવાન સાહેબે આ મકાન શાળાને ભાડાથી આપવાનો હુકમ કર્યો ત્યારે મકાન ઇજનેર ખાતાના તાબામાં હોવાથી તે મેળવવા અને ભાડાનો દસ્તાવેજ કરી ટોકન ભાડું નક્કી થયું અને મકાનનો કબજો મળ્યો. ઇ.સ. ૧૯૦૮ ના જૂન માસથી શાળાની શરૂઆત આ નવા મકાનમાં થઈ અને જેમના પ્રભાવશાળી વ્યક્તિત્વને ભારતની સમગ્ર જનતા ગૌરવથી યાદ કરે છે તે પ્રતાપી મહારાજા કૈલાસવાસી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનું પુણ્યનામ સંસ્થા સાથે જોડવામાં આવતા “ગ્રાન્ટ ઈન એઈડ હાઈસ્કૂલ” નામથી સ્થપાયેલી આ શાળા ‘શ્રી સયાજી હાઈસ્કૂલ’ નામથી પ્રસિધ્ધિ પામી.
 • વડોદરા શહેરના હાર્દ સમા ધાડિયાળી પોળ વિસ્તારમાં આ શાળા આવેલી હોઈ શિક્ષણના હેતુસર ખૂબ ઉપયોગી સાબિત થઈ. હીરાભાઇએ ઈજનેર ખાતા સાથે વાટાઘાટો કરી ટંકશાળના આ મકાનમાં શાળાને અનુરૂપ ફેરફારો સરકાર પાસે કરાવી લીધા. આજે શાળાના પાછલા ભાગમાં ત્રણ મજલી ઈમારત આવેલી છે. ટંકશાળ ને સાચવવા માટે ખોજા જાતિના સિપાઈઓ હતા. તેમનું નિવાસ એટલે હાલની “શ્રી સયાજી ગર્લ્સ સ્કૂલ.”
 • વડોદરાના પ્રખ્યાત રાજ ઝવેરી શ્રી લાલભાઇ કલ્યાણભાઈને ઈ.સ.૧૯૧૫માં શાળા સુપ્રત કરવામાં આવી. વિધાપ્રેમી, સજ્જ્ન અને ધંધાદારી શ્રી લાલભાઇ જેઠાલાલ મજમુદારની આગેવાની હેઠળ સંવત ૧૯૭૩ માર્ગશીર્ષ શુદ્ધ ૧૨ (વિક્રમ સંવત ૧૯૭૩ માગસર સુદ ૧૨)ને તા. ૬-૧૨-૧૯૧૬ બુધવારે પ્રતિષ્ઠિત ગુહસ્થોનું “ જુમ્મેદાર મંડળ” (Board of Trustees) નીમી તેમને આ શાળાનો કબજો સોપી દેવા ધોરણસર ખત્રપત્ર કરી આપ્યુ હતુ. આમ ઇ. સ. ૧૯૦૬માં સ્થપાયેલી શાળાના સંચાલન માટે ઇ.સ. ૧૯૧૬માં “જુમ્મેદાર મંડળ” અસ્તિત્વમાં આવ્યું.
 • ઇ.સ. ૧૯૧૮માં આ જુમ્મેદાર મંડળે શાળાની આર્થિક અને શેક્ષણિક પરિર્સ્થિતિનો કયાસ કાઢયો અને શ્રી હીરાલાલ શ્રોફ (એચ.વી.શ્રોફ) ને શાળાના આચાર્યની જવાબદારી સોંપવાનો ઠરાવ કર્યો.
 • “જુમ્મેદાર મંડળ” ના આગ્રહથી શાળામાં જોડાયેલા શ્રી હીરાલાલ શ્રોફે ઇ.સ. ૧૯૩૦ સુધી મરણપર્યત એકધારી સેવા આપી શાળાને સર્વોત્તકૃષ્ટ શિખરે પહોંચાડી

તે વખતે “જુમ્મેદાર મંડળ” ના કાર્યવાહક સભ્યશ્રીઓ નીચે પ્રમાણે હતા.

 • શ્રી બલવંતરાય રૂગનાથજી દેસાઇ (વકીલ)
 • પ્રો. શ્રી ડાહ્યાભાઈ લલ્લુભાઈ પુરોહિત
 • શ્રી ગુણવંતરાય ગિરધરલાલ મજમુદાર
 • શ્રી મણિભાઈ વસનજી દેસાઇ (માજી નાયબ દીવાન વડોદરા રાજ્ય)
 • શ્રી હરિપ્રસાદ ભવાનીપ્રસાદ દેસાઇ
 • શ્રી ગોવિંદભાઈ સારાભાઇ મજમુદાર
 • શ્રી હીરાલાલ સંપતરામ શ્રોફ
 • શ્રી હીરાલાલ જેઠાલાલ મજમુદાર
 • શ્રી વીરબળરામ હરિસુખરામ મહેતા
 • સંસ્થાનુ મકાન પાછુ લેવા સને ૧૯૩૪ થી ૧૯૪૦ સુધીમાં અનેક વાર વડોદરા રાજ્યના વિધાધિકારીએ પ્રયત્ન કરેલો પરંતુ તે સમયના નાયબ દિવાન શ્રી રામલાલભાઈની અને દીવાન સર વી.ટી. કૃષ્ણમાચારીની મદદથી આ મકાનો સંસ્થા પાસે ચાલુ રહયા. તે પછી વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી નવા મકાનની જરૂર પડી એટલે દેસાઇ શેરીમાં કાગડીવાળાનુ અને બીજુ મહેતાપોળમાં, એમ બે મકાનો ભાડે રાખવામાં આવ્યા.
 • સમાજમાં કેળવણીના ધ્યેયથી અસ્તિત્વમાં આવેલી આ સંસ્થા ઉત્તરોત્તર વિકાસના સોપાન સર કરતી ગઈ. ઇ.સ. ૧૯૫૧માં વિધાર્થીનીઓના ભણતર માટે “શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ” ની સ્થાપના થઈ. આ સંસ્થા છોકરીઓની અલગ હાઈસ્કૂલ રૂપે પરંતુ એક જ ટ્રસ્ટની વ્યવસ્થા હેઠળ કામ કરી રહી છે.
 • સમય જતાં વડોદરા સંસ્કારી નગરીમાં “જુમ્મેદાર મંડળે” શ્રી સયાજી હાઈસ્કૂલની પોતાની આગવી ઓળખ સ્થાપી. દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે માંગ વધતાં ઇ.સ. ૧૯૫૫માં તત્કાલીન ટ્રસ્ટી શ્રી જનુભાઈ પરીખ, હરિભાઈ દેસાઇ તથા ડૉ.ઠાકોરભાઈ પટેલ (માજી આરોગ્ય મંત્રીશ્રી) ના સફળ પ્રયાસોથી પ્રાથમિક વિભાગ માટે નવી શાળા બાંધવાનું નક્કી થયું. “પરભુ કાશીની વાડી”ના નામે ઓળખાતી જગ્યામાં “શ્રી સયાજી હાઈસ્કૂલ (પ્રાથમિક વિભાગ) શાળાનું નવુ બાંધકામ કરવામાં આવ્યું.
 • ઇ.સ. ૧૯૮૪ ના જુન મહિનામાં બાલવાડી વિભાગ તથા ધોરણ ૧ થી ૭ સુધીના વર્ગો શરૂ કરવામાં આવ્યા. શ્રી જુમ્મેદાર મંડળ સંચાલિત શ્રી સયાજી હાઈસ્કૂલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનુ વિશિષ્ઠ યોગદાન આપનાર અને અનેરી સિદ્ધિઓ મેળવનાર પોતાના અસંખ્ય વિધાર્થીઓ સમાજને ચરણે ધર્યા છે એ પેકી નીચેની વ્યકિતઓ ઉદાહરણરૂપે નોંધતા ગર્વ થાય છે.
 • સ્વ. ડૉ. આઈ. જી.પટેલ (ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ પટેલ) બહુમુખી પ્રતિભા ધરાવતા ઇ. સ. ૧૯૭૭ – ૧૯૮૨ સુધી રીઝર્વ બેંકના ગર્વનર, વિદેશની યુનિવર્સીટીઓએ તેમને ‘ડીલીટ’ ની માનદ્દ ડિગ્રી આપી, ઈંગ્લેન્ડની મહારાણીએ ‘નાઈટ હુડ’ નો ખિતાબ તેમજ ભારત સરકાર દ્વારા “પદ્મ વિભૂષણ”નો ખિતાબ મેળવનારા ડૉ. આઈ. જી.પટેલ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
 • ધાર્મિકલાલ પંડ્યા જાણીતા આખ્યાનકથાકાર, કવિ પ્રેમાનંદના ૩૦-૪૦ આખ્યાનોની પ્રાચીન પરંપરાને માણ, હાર્મોનિયમ, વાયોલિન, મંજીરા, તબલાથી બાખૂબી સમાજમાં પ્રસ્તુત કરી ભારત સરકારના સંગીત નાટક અકાદમી નવી દિલ્હી રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંગના હાથે સન્માન પ્રાપ્ત કરનાર આ શાળાના વિદ્યાર્થી છે.
 • ડૉ. શ્રી જતીનભાઈ વી. મોદી શાળાના ભૂતપૂર્વ વિધાર્થી તથા જાણીતા ચામડીના રોગોના નિષ્ણાત છે. તેઓશ્રી વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. આપશ્રી અનેક સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી રહયા છે.
 • આ મહાનુભાવો ઉપરાંત સંસ્થાના હજારો ભૂતપૂર્વ વિધાર્થીઓમાં નિષ્ઠાવાન ડૉકટરો, વકીલો, અધ્યાપકો, અર્થશાસ્ત્રીઓ આઈ.સી.એસ. પદવીદારોનો સમાવેશ થાય છે. આ સંસ્થાએ વડોદરાને અને ગુજરાતને તથા દેશને વિશ્વકોટીના વિધાર્થીઓ આપ્યા છે. અને જીવનમાં ઉચ્ચ સ્થાનો મેળવ્યા છે એવા અમારા ભૂતપૂર્વ વિધાર્થીઓ એમની આ માતૃ સંસ્થાને કદી નહિ વિસરે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.

શ્રી સયાજી હાઈસ્કૂલ, શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ શ્રી સયાજી હાઈસ્કૂલ- પ્રાથમિક વિભાગ આ ત્રણેય સંસ્થાઓના સંચાલક “જુમ્મેદાર મંડળ” ના

 • પ્રમુખશ્રી :- શ્રી વિનુભાઈ વી. મોદી, ભૂતપૂર્વ ડીન એમ એસ યુનિવર્સિટી
 • ઉપપ્રમુખશ્રી :- શ્રીમતિ હેનાબેન બી.લાખાવાલા, સામાજિક કાર્યકર
 • મંત્રીશ્રી :- શ્રી જગદીશભાઈ એચ.શાહ જાણીતા વકીલશ્રી
 • સહમંત્રી :- શ્રીમતી કવલજીત એચ.મોદી પ્રાથમિક વિભાગના આચાર્યાશ્રી
 • ટ્રસ્ટી :- શ્રી અતુલભાઈ મહેતા, નિવૃત્ત પ્રોફેસર એમ. એસ. યુનિવર્સિટી
 • ટ્રસ્ટી :- શ્રી પ્રોફેસર શ્રી આનંદ પી. માવલકર, પ્રોફેસર એમ. એસ. યુનિવર્સિટી
 • ટ્રસ્ટી :- શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત સરકાર
 • ટ્રસ્ટીશ્રી :- શ્રી મનીષભાઈ બક્ષી ચાર્ટડ એકાઉન્ટન્ટ.

આપ સર્વે શાળાના સતત અને સર્વાંગી વિકાસ માટે નિરંતર પ્રોત્સાહિત કરતાં રહ્યા છે.
શ્રી સયાજી બોઈઝ હાઈસ્કૂલના આચાર્યશ્રી એન આર. ચૌધરી તથા શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી હેમાગ્નિબેન ડી ચૌહાણ હાલ કાર્યરત છે. ત્રણેય સંસ્થાઓમાં કામ કરતાં શિક્ષકમિત્રો, બીનશૈક્ષણિક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે.
હાલ આ શાળામા ત્રણે વિભાગોના વિદ્યર્થિઓને કુલ સંખ્યા‌‌‌ 3900 છે. પ્રાથમિક વિભાગ મા કે.જી. થી ધોરણ 8 સુધીના કુલ વર્ગોમા 2200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શ્રી સયાજી હાઇસ્કૂલ (બોયસ) મા અને ઉ મા વિભાગમા ધોરણ 9અને 10 ના 10 વર્ગો તેમજ 11-12ના 5 વર્ગોમા 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
એ જ રીતે -શ્રી સયાજી ગર્લ્સ હાઇસ્કૂલ મા અને ઉ મા વિભાગમા ધોરણ 9અને 10 ના 6 વર્ગો તેમજ 11-12ના 4 વર્ગોમા 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શાળામા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને અનુલક્ષીને વિવિધ સહશૈક્ષણિક પ્રવ્રુત્તિઓનુ આયોજન કરવામા આવે છે.
ત્રણે શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકમિત્રો, બીનશૈક્ષણિક કર્મચારીઓ શાળાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે

X